ગર્ભસંવાદ એટલે શું ?




તમને ખબર છે!? જીવનભર આપણે જે કંઈ શીખીએ છીએ એ સંવાદ થકી શીખીએ છીએ. આ સંવાદ એટલે શબ્દોની જ આપ-લે એવું નથી. સંવાદ એટલે સામે રહેલી વ્યક્તિ, વસ્તુ કે ઘટના સાથે અનુસંધાન સાધીને શબ્દો, સ્પર્શ કે લાગણીની મદદ લઈને સંવેદનાની આપ-લે થવી.

તમે જોયું હશે, ઘણી વખત અમુક વ્યક્તિ સાથે ફક્ત આંખોથી જ વાત અથવા ભાવની આપ—લે થઈ જતી હોય છે, જ્યારે અમુક લોકો સાથે ગમે તેટલી કોશિશ કરીએ તો પણ સંવાદ સાધી ના શકાય. વેવલેન્થ મેચ જ ન થાય. જ્યારે વેવલેન્થ મેચ ના થાય ત્યારે કોઈ જ સંવાદ સાધી ના શકાય. એટલે ગર્ભસંવાદને સમજતાં પહેલાં આપણે સંવાદ એટલે શું એ સમજવું પડશે, અને એ પછી સ્વ—સંવાદ કરતા શીખવું પડશે, પછી ગર્ભસંવાદ સુધી પહોંચી શકાશે.

ઘણી સ્ત્રીઓ પૂછતી હોય છે કે, અમારે ગર્ભસ્થ શિશુ સાથે શું સંવાદ કરવો એનું માર્ગદર્શન આપો, ત્યારે અમારો એક જ સવાલ હોય છે કે, શું તમે ક્યારેય તમારા સ્વ સાથે, તમારી જાત સાથે વાતો કરી છે ખરી? એટલે એમનો જવાબ હોય કે ના, એ વળી કઈ રીતે થાય અને એનો શું મતલબ ?

આમ તો આપણું મન સતત બોલ બોલ જ કરતું હોય છે. ક્યારેક આંખ બંધ કરીને એને ઓબ્ઝર્વ કરવાની કોશિશ કરજો, એક ક્ષણ માટે પણ એ મૌન નહીં હોય, પણ અહીં વાત છે આપણે આપણી જાત સાથે વાત કરવાની. એ માટે સવારે શાંત જગ્યા પર આંખ બંધ કરીને ઊંડા ષક આહાર

શ્વાસ લેતાં લેતાં અંદર જોવાની કોશિશ કરજો. અંદરથી શું તરંગ આવે છે એને પકડવાની કોશિશ કરજો. આમ તો આપણે શબ્દોથી એવા ઘેરાયેલા છીએ કે તરંગની ભાષા સમજી નથી શકતા, પણ એ પકડવાની કોશિશ કરજો. શબ્દોનો સહારો લેવો પડે તો એ સહારો લઈને પણ સ્વ સાથે સંવાદ સાધજો. જો આ આવડી જશે તો ગર્ભસંવાદ ખૂબ સારી રીતે કરી શકાશે.

હમણાં હમણાંથી સેલ્ફ-સજેશનની મેથડ / વિધિ ખુબ પ્રચલિત થઈ છે. આમાં અઘરા લાગતાં કામ માટે, ડરને જીતવા તથા અસરકારક પરિણામ માટે પોતાની જાતને કહેવામાં આવે છે, કે યસ, યુ કેન ડુ ઈટ... હું બહાદુર છું, હું આ કામ સરસ રીતે કરી શકું છું... વગેરે વગેરે... આ સજેશનની ખૂબ ગહેરી અસર થતી હોય છે. (આ બાબતને વિસ્તારથી સમજવા માટે 'ધ સિક્રેટ' પુસ્તક / મૂવિ જોજો)

આટલી વાત પછી હવે ગર્ભસંવાદ એટલે શું એ સમજવું સરળ થશે. ટૂંકમાં સમજવું હોય તો એમ કહેવાય કે, ગર્ભસંવાદ એટલે ‘ગર્ભાવસ્થા દરમિયાન માતા અને પિતા દ્વારા ગર્ભસ્થ શિશુ સાથે કરાતો સંવાદ.' આ સંવાદ શા માટે જરૂરી છે, એનું શું મહત્ત્વ છે, એ કઈ રીતે કામ કરે છે. સંવાદ કઈ રીતે અને શું કરવો, વગેરે બાબતે આગળ ધીરે ધીરે ચર્ચા કરીએ. વાત થોડીક વિસ્તારથી કરવી પડે એમ છે આથી ધીરજપૂર્વક બધું વાંચીને સમજવાની કોશિશ કરજો. આ સમજાય જશે પછી સંવાદ સાધવો સરળ થઈ જશે. અને જો સમજ્યા વિના જ કરવા લાગશો તો પરિણામ ન મળવાની શક્યતા વધુ છે.

ઉત્ક્રાંતિના સિદ્ધાંત મુજબ આજે આપણે જે મગજ ધરાવીએ છીએ એ લાખો વર્ષોની પ્રક્રિયા બાદ તૈયાર થયું છે. આ વિકાસક્રમ નોંધી ન શકાય એટલી ધીમી ગતિએ થઈ રહ્યો હતો, પણ આજે વિજ્ઞાનિકોના અભ્યાસ અને પ્રયોગો થકી સાબિત થયું છે કે, છેલ્લાં અમુક વર્ષોમાં માણસના મગજની ઉત્ક્રાંતિનો વેગ ખૂબ ઝડપથી વધ્યો છે. આ મગજના વિકાસનો સૌથી મહત્ત્વનો સમય ગર્ભાવસ્થા હોય છે. આ સમય દરમિયાન જે ગતિથી વિકાસ થાય છે, એ ગતિ અને ત્વરા પૂરા જીવન દરમિયાન ક્યારેય નથી આવતી. ગર્ભાધાન બાદના ચાર સપ્તાહમાં બાળકના શરીરમાં જ્ઞાનતંતુના કોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. દરેક મિનિટે પાંચ લાખ જેટલા ન્યુરોન્સ પેદા થાય છે.

ન્યુરોન એટલે જ્ઞાનતંતુનો કોષ અને દરેક ક્ષણે એવા પાંચ લાખ કોષોનું ઉત્પાદન થાય છે. કલ્પના તો કરો કે કેવી તીવ્ર ગતિએ અને કેટલા વિશાળ પ્રમાણમાં આ સર્જનપ્રક્રિયા ચાલી રહી છે.

અમુક માસ પછી જ્યારે મગજ આકાર પામે છે ત્યારે અમુક કરોડો ન્યુરોન્સ મગજમાં ગોઠવાય છે. અને જન્મના ૧૨-૧૩ સપ્તાહ પહેલા મગજમાં ન્યુરોન્સનું જે પ્રમાણ હોય છે એ પુખ્ત વયની વ્યક્તિમાં પણ નથી હોતું. ટૂંકમાં એ સમય દરમિયાન મગજમાં ન્યુરોન્સની માત્રા મહત્તમ હોય છે.

આવું કેમ? અને આટલા બધા ન્યુરોન્સની હાજરીનું કારણ શું? પછી એની માત્રા કેમ ઘટી જાય છે? હજુ કોઈ ચોક્કસ કારણ નથી શોધાયું પરંતુ તાર્કિક કારણ એવું અપાય છે કે ઉત્ક્રાંતિના નિયમ મુજબ જે બળવાન છે એ જીવે છે. આ બધા ન્યુરોન્સ વચ્ચે એક યુદ્ધ જેવો માહોલ જામે છે અને પછી એમાં જે મજબૂત છે એ ટકી જાય છે અને નબળાનો નાશ થાય છે.

જાણકારો કહે છે કે આ સમયમાં જો ગર્ભસ્થ શિશુનો બહારના જગત સાથે નાતો જોડવામાં આવે અને અમુક ખાસ પ્રકારે સંવાદો રચવામાં આવે તો એના મગજનું ખાસ પ્રોગ્રામિંગ કરી શકાય છે. આ પ્રોગ્રામિંગ એને આજીવન મદદરૂપ બની શકે છે.


 


Comments

Popular posts from this blog

Garbhsanskar importance