ગર્ભસંવાદ કઈ રીતે કરવા?
1. ગર્ભસંવાદ માટે સ્થળ પસંદગી ઘણી મહત્ત્વની છે. તમે ઘણી અલગ અલગ જગ્યા પર આ સંવાદ કરી શકો. જેમ કે, પૂજાસ્થળ, બેડરૂમ, ખુલ્લા આકાશ નીચે, વૃક્ષ પાસે વગેરે. ટૂંકમાં તમે જગ્યા એવી પસંદ કરો કે, ત્યાં તમે પૂરેપૂરા ધ્યાનમાં ડૂબી શકો.
2. એ રીતે બેસો કે, જેથી વધુ હલનચલન કરવાની જરૂર ના પડે.
જેટલા સ્થિર બેસી શકશો એટલી બાળકને ફિલ કરવાની સેન્સિટિતિલ વધશે. શાંત અને સ્થિર બેસવાથી અંદરની મૂવમેન્ટને અનુભવી શકાશે.
૩. બંને હાથને કોમળતાથી પેટ પર રાખીને સંવાદ કરો.
4. જો શક્ય હોય તો આસપાસ સુગંધિત અગરબત્તી અથવા ધૂપ કરો, જેથી વાતાવરણ ખુશનુમા બને. જેથી તમારું મન પ્રસન્ન થશે અને યાદ રહે, પ્રસન્ન મન જ સંવાદ કરી શકે.
5. સંવાદ વાંચી વાંચીને નથી કરવાનો. તમારે જે વિષય પરનો સંવાદ કરવો હોય એ સંવાદ અને વિષયને બરાબર સમજી લો, શક્ય હોય તો એક કાગળમાં લખી પણ લો. આ સંવાદમાં તમે જે વાત કરવાના હોવ એને તમે પોતે બરાબર સમજો અને આત્મસાત કરી લો. પછી આંખ બંધ કરીને તમારા કાન સાંભળી શકે એટલા અવાજથી સંવાદ કરો.
6. આખા સંવાદ દરમિયાન તમે હાજર રહો. એઓ એક શબ્દ અને વાક્ય બોલો ત્યારે એ ભાષાની પાછળ છુપાયેલ અર્થ અને ભાવને પકડો.
7. જ્યારે મન નેગેટિવિટીથી ભરેલું હોય ત્યારે સંવાદ કરવાનું ટાળો.
8. જરૂરી નથી કે, તમારે અમુક ચોક્કસ પ્રકારના જ સંવાદો કરવાના છે, જેમ તમે તમારા પ્રેમી પાત્ર અથવા મિત્ર સાથે વાતો કરતા હોવ એમ દિવસ દરમિયાન જ્યારે જ્યારે યાદ આવે અને અનુકૂળતા હોય ત્યારે ગર્ભ સાથે વાતો કરી લો. જેમ કે, હે મારી જાન... આજે મમ્મી કામ કરીને થોડીક થકી ગઈ છે એટલે હવે ઘડીક આરામ કરી લેશે હો… હે ડિયર, જો મને દૂધ નથી ભાવતું પણ છતાં તને સારું પોષણ મળી રહે એ માટે પીવ છું, મને ખબર છે કે તને દૂધ ભાવશે... વગેરે વગેરે… આ કરવું જ. આની ખૂબ સારી અસર થશે.
9. પતિ પણ નિયમિત પત્નીના પેટ પર હાથ રાખીને વાતો કરે એ ઇચ્છનીય છે. યાદ રહે કે, બાળકના ઘડતરમાં માતાની એક ચોક્કસ ભૂમિકા છે, એ જ રીતે પિતાનો પણ ખાસ રોલ છે. અમુક બાબતોનું જ્ઞાન માતા જ આપી શકે છે, એમ અમુક જ્ઞાન પિતા જ આપી શકે છે.
10. આ સંવાદો માટે જરૂરી નથી કે, તમારી ભાષા કાવ્યાત્મક જ હોય તથા ભારેખમ શબ્દોથી ભરેલ હોય. સહજ અને સરળ ભાષામાં સંવાદ કરો. તમારી રોજિંદી બોલચાલની ભાષા વાપરો.
11. તમારી નજદીકની વ્યક્તિ, કે જેની સાથે ભાવાત્મક રીતે તમે જોડાયેલા હોવ એને પણ આમંત્રિત કરી શકો છો કે એ પણ ગર્ભ સાથે વાતો કરે.
12. આસપાસના લોકો અને વાતાવરણ વિશે તમે વાતો કરો, જેથી ગર્ભમાં આકાર લેતું બાળક બહારની દુનિયાથી પણ પરિચિત થતું થાય.
13. ક્યારેક અમુક સંવાદ તમે મોબાઇલમાં રેકોર્ડ પણ કરી શકો, પછી જ્યારે સમય મળે ત્યારે ઇયરફોન લગાવીને સાંભળી શકાય. ઓપ્શન છે. સારું તો એ જ છે કે, ડાયરેકટ વાત થાય.
14. ગર્ભમાં કયા મહિને બાળકના કયા અંગનો વિકાસ થાય છે એ ‘ગર્ભસંસ્કાર - જેવું વાવીશું એવું લણીશું' પુસ્તકમાં વિસ્તારથી આપ્યું છે. એનો અભ્યાસ કરીને એ મુજબના સંવાદો કરી શકો છો.
15. ફરીથી યાદ કરાવું છું. ગર્ભમાં જે બાળક વિકસી રહ્યું છે, એ શબ્દો નથી સમજતું. એ સ્પર્શ અને સંવેદનાને પકડે છે. તમે પ્રેમ શબ્દ બોલશો તો એ નહીં સમજે, પણ પ્રેમનો ભાવ તમારી અંદર જાગશે તો ચોક્કસ એની અસર ગર્ભ પર પડશે. નહીંતર થશે એવું કે, તમે ગમે તેટલી ઊંચી ઊંચી વાતો કરશો પણ અંતે એ નિરર્થક નીવડશે.
16. આ સંવાદમાં કલ્પના નહીં, પણ વિઝ્યુલાઈ`ઝેશન કરવાનું
છે. કલ્પના એટલે એકદમ પાયા વિનાના વિચારોએ ચડી જવું. જેનું પરિણામ કંઈ જ ના આવે અને ઉલટાનો સમય અને શક્તિ ખર્ચાય જાય. વિઝ્યુલાઇઝેશન એટલે વાસ્તવિકતા સાથે રહીને જે ભવિષ્યમાં હોય એવું ઇચ્છતા હોવ એનું સ્પષ્ટ ચિત્ર મનમાં ઊભું કરવું. એ ચિત્રને બરાબર જોવું અને જીવવું. જ્યારે પણ ગર્ભ સાથે સંવાદ સાધો ત્યારે આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો.
17. સવારે ઊઠીને તુરંત અને રાત્રે સૂતાં પહેલાં અચૂક પેટ પર હાથ ફેરવીને વ્હાલ કરો. આવું પિતાએ પણ કરવું જોઈએ. ઇમોશનલ બોન્ડિંગ માટે આ ખૂબ ઉપયોગી બનશે.
અંતે સૌથી મહત્ત્વની વાત, આ આખી પ્રક્રિયા પ્રાર્થનાના સ્વરૂપમાં છે. આમાં ઈશ્વર (અથવા તમે એને જે શક્તિ અથવા જે કઈ માનો એ….), તમે અને ગર્ભમાં ઉછળતું બાળક એમ ત્રિકોણીયો સંવાદ છે. ફળની અપેક્ષા રાખ્યા વિના પૂરા દિલથી પ્રાર્થના કરજો. આ સંવાદ કે પ્રાર્થનાનો આનંદ લેજો.

Comments
Post a Comment